Thursday 15 March 2012

ચાહત...

હું
ચાહું છું
તને
અને
મને
ચાહી શકવાની
તારી
અસમર્થતાને પણ !

- ધર્મેશ પટેલ

એટલે....

તારી યાદ એટલે
સવારે મારા ઓરડામાં
વેર વિખેર કાગળના ડૂચાઓમાં
ડૂસકાં ભરતી
કવિતા.

- ધર્મેશ પટેલ

સંજોગનો પુલ

ટ્રાફિક સિગ્નલ પાસે
ફૂટપાથ પર
ફૂલના ગજરા વેચતી છોકરી
આજે
ખૂબ ઉદાસ હતી.
આજે
મહાનગરપાલિકાએ
ફલાય-ઑવરને
મંજૂરી આપી દીધી !

– મિલિન્દ ગઢવી ‘ગ.મિ’

દીકરી શીખી ગઈ, હું શીખું છું

મને થયું લાવ
દીકરીને શીખવું
કુટુંબ એટલે શું
અમારી વચ્ચે આવા સવાલ – જવાબ થયા:
‘તારું નામ શું ?’
‘ઋચા ઠક્કર’
‘બકી કોણ કરે ?’
‘મમ્મી ઠક્કર’
‘ઘોડો-ઘોડો કોણ કરે ?’
‘પપ્પા ઠક્કર’
સાઈકલ પર કપડાંની ગઠરી લઈને કોઈ આવતું હતું
ઋચાએ સાદ કર્યો,
‘ધોબી…. ઠક્કર !’
ચોખાના દાણાથી યે હાઉસફુલ થઈ જાય
એવું પંખી હવામાં હીંચકે ચડેલું
ઋચાએ કિલકાર કર્યો,
‘ચકી ઠક્કર….’
દીકરી શીખી ગઈ
હું શીખું છું.

-ઉદયન ઠક્કર

સ્ત્રી

ટ્રેનની રાહ જોતી
પ્લૅટફૉર્મ પર ઊભેલી એક સ્ત્રી
ટ્રેન આવી ન આવી ત્યાં તો
ચડી ગઈ ડબ્બામાં બિલ્લીની ઝડપે
પહોંચી સીધી ઑફિસમાં.
કોઈ મળે એટલે આપમેળે
હોઠ પર ગોઠવાઈ જાય સ્મિત
અને સ્મિતમાંથી પ્રકટી ઊઠે
ઍરકન્ડિશન્ડ ઑફિસમાં
ઠંડાગાર શબ્દો : ‘ગુડમૉર્નિંગ’.
સાંજે ફરી પાછું
એનું એ જ ચક્ર.
ટ્રેનની રાહ જોતી
પ્લૅટફૉર્મ પર ઊભેલી એ સ્ત્રી.
ટ્રેન આવી ન આવી ત્યાં તો
ચડી ગઈ ડબ્બામાં બિલ્લીની ઝડપે
પહોંચી સીધી ઘેર.
બાળકો તરફ જોયું ન જોયું
અને રસોડાની સોડમાં લપાઈ ગઈ.
સૌને જમાડ્યાં, જમી.
જિંદગી ઊગી અને આથમી
અને કોઈને પણ
‘ગુડ નાઈટ’ કહ્યા વિના
સૂઈ ગઈ.

-સુરેશ દલાલ

આકાશી કેનવાસ

સવારે
ઉતાવળમાં
મસાલિયાનો ડબો
પડી જાય છે ફર્શ પર
ને રચાય છે
આકાશી કેનવાસ
હું
શોધવા મથુ છું
ડૂબતા સૂર્યને એ કેનવાસ પર
પણ હું જ
ડૂબી જઉ છું
રંગોની દુનિયામાં
અચાનક,
કૂકરની વ્હીસલ વાગે છે
ને હું
બહાર આવી જઉ છું
પાછી,
સમયની સાથે ચાલતી સવારમાં !!

- Hiral Vyas(વાસંતીફૂલ)